અમદાવાદમાં ૨૩મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ વિશ્વ પુસ્તક દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જાણીતા લેખક-પત્રકાર રમેશ તન્નાના પોઝિટિવ શ્રેણીના દસમા પુસ્તક સમાજનો છાંયડોનું લોકાર્પણ થયું હતું. એ પ્રસંગે બોલતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના વખતે પોઝિટિવ શબ્દ ડરામણો બની ગયો હતો, પરંતુ લેખક રમેશ તન્નાએ પોઝિટિવ શબ્દની જે પ્રતિષ્ઠા કરી છે તેનું પ્રમાણ આ સભાગૃહમાં આપ સૌની ભરચક ઉપસ્થિતિ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સકારાત્મક સમાજના નિર્માણમાં પુસ્તકોનો અમૂલ્ય ફાળો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજ જીવનમાં સકારાત્મક રહેવું અઘરું છે પણ સાથે સાથે જરૂરી પણ છે. સવારે જાગીએ ત્યારથી રાત સુધીમાં આપણે અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ છીએ. સમાજજીવનની કોઈ એક ઘટના નકારાત્મક હોઈ શકે પરંતુ તેની સામે અન્ય ૯૯ ઘટનાઓ સકારાત્મક હોય છે, આપણે તેની તરફ નજર રાખવી જોઈએ.
જાણીતા લેખક-પત્રકાર રમેશ તન્નાના પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીના દસમા પુસ્તક “સમાજનો છાંયડો”નું લોકાર્પણ
જીવનમાં સકારાત્મક કર્મોનું પરિણામ સકારાત્મક મળે છે. આપણે પરિણામલક્ષી પ્રયત્નો કરવા જોઈએ પછી જે પરિણામ આવે તે આપણે સ્વીકારી લેવું જોઈએ. આ પ્રસંગે તેમને ગુજરાત સરકારના વાંચે ગુજરાત અભિયાનને પણ યાદ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ સૂત્ર સકારાત્મકતાનું સૌથી મોટું ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ જાણીતા ચિંતક અને સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે આ પુસ્તકમાં જે સમાજનાયકો વિશે લખાયું છે તે સમાજને સાચી રાહ ચીંધે છે. આજે માનસિક રોગોના જમાનામાં રમેશ તન્નાનાં આ પુસ્તકો ઉપચાર સમાન પોઝિટિવિટી સાથે પ્રકાશિત થયાં છે. તેમણે કહ્યું હતું કે સમાજનો દ્રષ્ટિકોણ સકારાત્મક કરવામાં આ પુસ્તકોનું અનન્ય યોગદાન છે. આ પ્રસંગે લેખક રમેશ તમને જણાવ્યું હતું કે સમાજમાં સારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. સમાજમાં આજે પણ પ્રેમ, સંવેદના અને કરુણા છે. તેને જાગૃત અને સંગઠિત કરવામાં આવે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય તેમ છે.
કોરોના વખતે પોઝિટિવ શબ્દ ડરામણો બની ગયો હતો, પરંતુ લેખક રમેશ તન્નાએ પોઝિટિવ શબ્દની જે પ્રતિષ્ઠા કરી
કાર્યક્રમના પ્રારંભમાં અનિતા તન્નાએ મુખ્યમંત્રી સહિત તમામ અનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આલાપ તન્નાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં માત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ ભારતમાંથી પણ ઘણા સમાજનાયકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર સભાગૃહ ચિક્કાર ભરાઈ ગયો હતો અને લોકોએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કાર્યો કરતા વિવિધ ક્ષેત્રના સમાજનાયકોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.