ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં આજ રોજ એક અનોખા અને પર્યાવરણપ્રેમી કાર્યક્રમ “ઇકો બ્રિક્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પર્યાવરણપ્રેમ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે પાટણ નગર પર્યાવરણ સંયોજક નિરવભાઈ પટેલ સાગોડિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પર્યાવરણ સંયોજક એવા ભુદરભાઈ તેમજ પર્યાવરણ મિત્ર મગનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી ધનરાજભાઇ ઠક્કર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પધારેલ મહેમાનોને કુમકુમ તિલક કરી શાળા પરિવાર વતી આવકાર્યા હતા.
પર્યાવરણ સંયોજક ભાઈ શ્રી ભુદરભાઈએ ઇકો બ્રિક્સનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે કેવી રીતે પર્યાવરણને સંભાળવામાં મદદ કરે છે, તે વિશે વિસ્તૃત માહિતી આપી.
વિદ્યાર્થીઓને ઇકો બ્રિક્સ બનાવવા માટેની વિવિધ વર્કશોપ્સ અને પ્રયોગો આપવામાં આવ્યા. અન્ય શાળાના વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇકો બ્રિક્સના ઉદાહરણો અને ઉપયોગોનું યોગ્ય માર્ગદર્શન અને પ્રદર્શન રાખવામાં આવ્યું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પર્યાવરણની સુરક્ષા માટે અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લીધી.
આ ઇકો બ્રિક્સ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણપ્રેમ, જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવામાં સફળતા મળશે. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે સમગ્ર શાળા પરિવાર વતી વધુમાં વધુ ઈકોબ્રિક્સ બનાવી પર્યાવરણ ને બચાવવામાં મદદરૂપ થઈશું તેવી ખાત્રી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું.